નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના ઍવોર્ડ

  • 10 વર્ષની વયે બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયેલાં નીરજે અનેક બાળકોનું જીવન બદલ્યું
  • કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન સંચાલિત બાલ મિત્ર ગામના પૂર્વ બાળમજૂર નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના એવોર્ડ એનાયત થયો છે.
  • જેમનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું તે વેલ્સના રાજકુમારી ડાયનાની સ્મૃતિમાં યુકે સરકાર દર વર્ષે દુનિયાના ચુનંદા 25 લોકોને એવોર્ડ આપે છે.
  • બાળમજૂરીમાંથી મુક્ત થઈ પોતાના અને અન્ય બાળકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા અને તેને ટકાવી રાખવા બદલ નીરજ મુર્મુને 1 જુલાઈએ એક વર્ચ્યુઅલ સમારોહમાં 2020નો ડાયના એવોર્ડ એનાયત કરાયો હતો.
  • નીરજ મુર્મુ કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (કેએસસીએફ) સંચાલિત ગિરીડીહ જિલ્લાના દુલિયાકરમલ બાલ મિત્ર ગામના છે.
  • હાલ 21 વર્ષના નીરજને અગિયાર વર્ષ અગાઉ 10 વર્ષની ઉંમરે એસ્બેસ્ટોસની ખાણની મજૂરીમાંથી ઉગારવામાં આવ્યા હતા.
  • આ એવોર્ડ સમાજ પરિવર્તન માટે આગેવાની લેનારા અને તેમાં અસાધારણ યોગદાન આપનારા 9થી 25 વર્ષની વયના બાળકો અને યુવાનોને એનાયત કરાતો હોય છે.
  • નીરજ મુર્મુને આ એવોર્ડ ગરીબ અને પછાત બાળકોને શિક્ષણ આપવા બદલ અને એમનાં જીવનમાં બદલાવ લાવવા બદલ આપવામાં આવ્યો છે.
  • નીરજના પ્રમાણપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે નવી પેઢીને વિશ્વ બદલવાની દિશામાં પ્રેરણા આપી છે.
  • નીરજનો ભૂતકાળ અને કામગીરી
    ગરીબ આદિવાસી પરિવારના નીરજે 10 વર્ષની ઉંમરે પરિવારનું પોષણ કરવા એસ્બેસ્ટોસની ખીણમાં મજૂરી કરવાની શરૂઆત કરી હતી.

કૈલાશ સત્યાર્થી સ્થાપિત બચપન બચાવો આંદોલન (બીબીએ)ના કાર્યકરોએ તેમને મજૂરીથી મુક્ત કરાવ્યાં. બાળમજૂરીમાંથી છૂટ્યાં એ પછી એમની જિંદગી બદલાઈ. ગુલામીમાંથી મુક્ત થઈને, નીરજે સત્યાર્થી આંદોલન સાથે મળીને બાળમજૂરી સામે જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. એમણે ખૂબ મહેનત કરી અભ્યાસ કર્યો અને એ સાથે અને લોકોને સમજાવી તેમના બાળકોને મજૂરીમાંથી છોડાવી શાળાઓમાં દાખલ કરાવવા લાગ્યા. ગ્રેજ્યુએશનની સાથે સાથે એમણે ગરીબ બાળકો માટે તેમના જ ગામમાં એક શાળાની પણ સ્થાપના કરી.

બાળમજૂરીના તેમના અનુભવથી, નીરજને સમજાયું કે તેમના જેવા ગરીબ અને આદિજાતિ બાળકોને શિક્ષણની સુવિધા ન આપવામાં આવે ત્યાં સુધી બાળમજૂરી અને બાળલગ્ન જેવી સામાજિક સમસ્યાઓ તેમનામાં દૂર થઈ શકશે નહીં.

આ શાળા થકી તેઓ 200 જેટલા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. નીરજે એમની જેમ જ એસ્બેસ્ટોસની ખાણમાં કામ કરનારા 20 બાળકોને પણ મુક્ત કરાવ્યાં છે.

ડાયના એવોર્ડ મળતાં ખુશીની વ્યક્ત કરતા નીરજ કહે છે, ‘આ એવોર્ડથી મારી જવાબદારી વધી છે. હું એવા બાળકોને શાળામાં પ્રવેશ મેળવવાની કામગીરીને વેગ આપીશ, જેમના અભ્યાસ વચ્ચે બંધ થઈ ગયો છે. સાથે હું બાલ મિત્ર ગામનાં બાળકોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. નીરજ કહે છે કે “નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થી મારા આદર્શ છે અને તેમના વિચારોના પ્રકાશમાં હું બાળકોને શિક્ષિત અને સશક્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છું.”

નીરજને ડાયના એવોર્ડ મળતાં, કેએસસીએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી મલાથી નાગાસાયીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમને ગર્વ છે કે નીરજે પૂર્વ બાળમજૂરોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા મહત્તવની પહેલ કરી છે. તે અમારા બાલ મિત્ર ગામનાં બાળકો માટે એક રોલ મોડલ છે, જ્યાં દરેક બાળક પોતાની રીતે એક મજબૂત નેતા છે અને તેના હકની પ્રાપ્તિ સાથે તેના ગામના વિકાસ માટે તૈયાર છે અને સંઘર્ષ કરી રહ્યો છે.”

બાલ મિત્ર ગામ અને નીરજ

નીરજના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક પરિવર્તનમાં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા શ્રી કૈલાસ સત્યાર્થી અને તેમના દ્વારા સ્થાપિત સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બાલ મિત્ર ગ્રામ એ બાળકો માટે સુખી અને મૈત્રીપૂર્ણ વિશ્વ નિર્માણ માટે શ્રી કૈલાસ સત્યાર્થીની પાયારૂપ પહેલ છે. દેશ અને દુનિયામાં આવા ગામો બનાવવામાં આવી રહ્યા છે.

બાલ મિત્ર ગ્રામનો અર્થ એ ગામો છે જેમાં 6થી 14 વર્ષની વયના તમામ બાળકો મજૂરીથી મુક્ત હોય અને શાળાએ જતાં હોય. ત્યાં એક પસંદ કરેલ બાલ પંચાયત હોય અને તે ગ્રામ પંચાયત સાથે સુસંગત હોય. આવા ગામોમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે, તેમનામાં નેતૃત્વના ગુણો પણ વિકસિત થાય છે. ગામના બાળકો પંચાયતોની મદદથી બાળકોની સમસ્યાઓનું સમાધાન કરીને ગામના વિકાસમાં મદદ કરે છે.

નીરજનું ગામ પણ બાલ મિત્ર ગામ છે. 2013માં બાલ મિત્ર ગામના યુવા જૂથના સભ્ય તરીકે, તેમણે બાળમજૂરી નાબૂદ કરવા અને પછી તે બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના શાળાના દિવસો દરમિયાન, તે તામિલનાડુ ગયા અને પોતાના ગામથી મજૂરી કરવા માટે ગયેલા કેટલાંક બાળકોને પાછા લઈ આવ્યા અને તેમને શાળામાં પ્રવેશ અપાવ્યો.

નીરજ તેમના ગામની ઘણી સામાજિક-આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે પણ કામ કરે છે. જેમ કે બાળલગ્ન અટકાવવા, હેન્ડપંપ લગાવવો, તેનું સમારકામ કરાવવું, ઘરોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવી, સરકારી યોજનાઓ દ્વારા ગેસ કનેક્શનની સુવિધાઓ લોકોને અપાવવી વગેરે.

લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજવા માટે તે રેલીઓ અને અન્ય ઝુંબેશનું પણ આયોજન કરે છે. પરિણામે સરકારી શાળાઓમાં બાળકોની નોંધણી વધી છે. નીરજ પાસેથી શિક્ષણ મેળવનારા બાળકો પણ જાગૃત થયા છે અને તેઓ તેમના ગામમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રીતે તેમણે સત્યાર્થી ચળવળની આગામી પેઢીને પણ તૈયાર કરી છે.

કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન વિશે.

‘કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન’ નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત શ્રી કૈલાસ સત્યાર્થી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, તે એક વૈશ્વિક સંસ્થા છે જે બાળકોના શોષણ અને હિંસા સામે કામ કરે છે. ફાઉન્ડેશન તેના કાર્યક્રમો જેવા કે, સીધી દરમિયાનગીરી, સંશોધન, ક્ષમતાવર્ધન, લોક જાગૃતિ અને વ્યવહાર પરિવર્તન દ્વારા બાળકો માટે યોગ્ય વિશ્વ નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશ સત્યાર્થીના કાર્યો અને અનુભવોએ હજારો બાળકો અને યુવાનોને ‘બાલ મિત્ર દુનિયા’ બનાવવાની પ્રેરણા આપી છે.

Design a site like this with WordPress.com
Get started