આજે બનાવો લીલી હળદરનુ શાક

10 લોકો માટે લીલી હળદરના શાકની રેસિપી

સામગ્રીઃ

500 ગ્રામ લીલી હળદર, 500 ગ્રામ શુદ્ધ દેશી ઘી, 250 ગ્રામ લીલા વટાણા, 500 ગ્રામ મલાઈ વાળું દહીં, 100 ગ્રામ તાજા લાલ મરચા, 250 ગ્રામ લીલી ડુંગળી, 250 ગ્રામ લીલું લસણ, 50 ગ્રામ આદુ, 50 ગ્રામ સૂકું લસણ, એક પુળીયું કોથમીર, એક ટેબલ સ્પૂન અજમો, બે ટેબલ સ્પૂન આખું જીરું, ત્રણ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર, એક ટેબલ સ્પૂન, કાળા મરી પાવડર
*ત્રણ ટેબલ સ્પૂન કિચનકિંગ ગરમ મસાલો
*નમક સ્વાદ અનુસાર

રીતઃ

લીલી હળદરને સાદા પાણીથી ધોઈને તેને લાંબી-લાંબી ખમણી લેવી. ત્યાર બાદ ફરી એક વાર ધોઈને બધું પાણી સાવ નિતારી લેવું.

કડાઈમાં ઘી નાંખી ખમણેલી હળદરનું પાણી બળી જાય અને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવી.

ત્યાર બાદ હળદર કડાઈમાંથી કાઢીને વધેલા ઘીમાં વટાણા અધકચરા તળી લેવા. વટાણા બહાર કાઢી વધેલા ઘીમાં જીરાનો વઘાર કરી આદુ-લસણની પેસ્ટ સાંતળવી.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી- લીલું લસણ સાંતળવા નાંખી દેવું. થોડું સાંતળ્યા બાદ તેમાં લાલ મરચાંની પેસ્ટ ઉમેરીને ઉપર અજમો અધકચરો મસળીને છાંટવો. ધાણાજીરું, મીઠું અને કિચનકિંગ મસાલો નાખવો.

ઘી વછુટે ત્યારે સાંતળેલી હળદર અને વટાણા નાંખીને ધીમા તાપે સતત હલાવતા રહેવું. ઉપર ઘી તરી આવે ત્યારે દહીં નાંખીને 1 મિનિટ કરતા ઓછા સમય સુધી હલાવીને નીચે ઉતારતા સમયે કોથમીર છાંટી જાર-બાજરો કે માત્ર બાજરાના રોટલા સાથે ગરમા-ગરમ પીરસવું.

આજે બનાવો મોરૈયા અને શિંગોડાના લોટના ઢોસા

સામગ્રી

1 કપ મોરૈયો, અડધી ચમચી સિંધાલૂણ, અડધો કપ શિંગોડાનો લોટ, 3થી 4 ચમચી ઘી, 1 લીલું મરચું ઝીણું સમારેલું

રીત

ઢોસા બનાવવા માટે મોરૈયાને 2 કલાક પાણીમાં પલાળી રાખો. પછી મોરૈયાના મિશ્રણમાં થોડું પાણી મિક્સ કરી વાટો. મોરૈયાના મિશ્રણમાં શિંગોડાનો લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી ખીરું બનાવો. આ ખીરામાં સિંધાલૂણ અને ઝીણું સમારેલું લીલું મરચું મિક્સ કરો. ઢોસાનું ખીરું 20 મિનિટ માટે ઢાંકીને રાખી દો. પછી તવા પર થોડું ઘી લગાવીને એક ચમચો ખીરું મૂકી હળવા હાથે તવા પર ગોળ આકારમાં ફેલાવો. ઢોસો એક તરફથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બીજી સાઇડ ફેરવીને અડધી મિનિટ સેકાવા દો. પછી તેને ફોલ્ડ કરીને નારિયેળની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Design a site like this with WordPress.com
Get started