નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના ઍવોર્ડ

 • 10 વર્ષની વયે બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયેલાં નીરજે અનેક બાળકોનું જીવન બદલ્યું
 • કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન સંચાલિત બાલ મિત્ર ગામના પૂર્વ બાળમજૂર નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના એવોર્ડ એનાયત થયો છે.
 • જેમનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું તે વેલ્સના રાજકુમારી ડાયનાની સ્મૃતિમાં યુકે સરકાર દર વર્ષે દુનિયાના ચુનંદા 25 લોકોને એવોર્ડ આપે છે.
 • બાળમજૂરીમાંથી મુક્ત થઈ પોતાના અને અન્ય બાળકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા અને તેને ટકાવી રાખવા બદલ નીરજ મુર્મુને 1 જુલાઈએ એક વર્ચ્યુઅલ સમારોહમાં 2020નો ડાયના એવોર્ડ એનાયત કરાયો હતો.
 • નીરજ મુર્મુ કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (કેએસસીએફ) સંચાલિત ગિરીડીહ જિલ્લાના દુલિયાકરમલ બાલ મિત્ર ગામના છે.
 • હાલ 21 વર્ષના નીરજને અગિયાર વર્ષ અગાઉ 10 વર્ષની ઉંમરે એસ્બેસ્ટોસની ખાણની મજૂરીમાંથી ઉગારવામાં આવ્યા હતા.
 • આ એવોર્ડ સમાજ પરિવર્તન માટે આગેવાની લેનારા અને તેમાં અસાધારણ યોગદાન આપનારા 9થી 25 વર્ષની વયના બાળકો અને યુવાનોને એનાયત કરાતો હોય છે.
 • નીરજ મુર્મુને આ એવોર્ડ ગરીબ અને પછાત બાળકોને શિક્ષણ આપવા બદલ અને એમનાં જીવનમાં બદલાવ લાવવા બદલ આપવામાં આવ્યો છે.
 • નીરજના પ્રમાણપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે નવી પેઢીને વિશ્વ બદલવાની દિશામાં પ્રેરણા આપી છે.
 • નીરજનો ભૂતકાળ અને કામગીરી
  ગરીબ આદિવાસી પરિવારના નીરજે 10 વર્ષની ઉંમરે પરિવારનું પોષણ કરવા એસ્બેસ્ટોસની ખીણમાં મજૂરી કરવાની શરૂઆત કરી હતી.

કૈલાશ સત્યાર્થી સ્થાપિત બચપન બચાવો આંદોલન (બીબીએ)ના કાર્યકરોએ તેમને મજૂરીથી મુક્ત કરાવ્યાં. બાળમજૂરીમાંથી છૂટ્યાં એ પછી એમની જિંદગી બદલાઈ. ગુલામીમાંથી મુક્ત થઈને, નીરજે સત્યાર્થી આંદોલન સાથે મળીને બાળમજૂરી સામે જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. એમણે ખૂબ મહેનત કરી અભ્યાસ કર્યો અને એ સાથે અને લોકોને સમજાવી તેમના બાળકોને મજૂરીમાંથી છોડાવી શાળાઓમાં દાખલ કરાવવા લાગ્યા. ગ્રેજ્યુએશનની સાથે સાથે એમણે ગરીબ બાળકો માટે તેમના જ ગામમાં એક શાળાની પણ સ્થાપના કરી.

બાળમજૂરીના તેમના અનુભવથી, નીરજને સમજાયું કે તેમના જેવા ગરીબ અને આદિજાતિ બાળકોને શિક્ષણની સુવિધા ન આપવામાં આવે ત્યાં સુધી બાળમજૂરી અને બાળલગ્ન જેવી સામાજિક સમસ્યાઓ તેમનામાં દૂર થઈ શકશે નહીં.

આ શાળા થકી તેઓ 200 જેટલા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. નીરજે એમની જેમ જ એસ્બેસ્ટોસની ખાણમાં કામ કરનારા 20 બાળકોને પણ મુક્ત કરાવ્યાં છે.

ડાયના એવોર્ડ મળતાં ખુશીની વ્યક્ત કરતા નીરજ કહે છે, ‘આ એવોર્ડથી મારી જવાબદારી વધી છે. હું એવા બાળકોને શાળામાં પ્રવેશ મેળવવાની કામગીરીને વેગ આપીશ, જેમના અભ્યાસ વચ્ચે બંધ થઈ ગયો છે. સાથે હું બાલ મિત્ર ગામનાં બાળકોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. નીરજ કહે છે કે “નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થી મારા આદર્શ છે અને તેમના વિચારોના પ્રકાશમાં હું બાળકોને શિક્ષિત અને સશક્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છું.”

નીરજને ડાયના એવોર્ડ મળતાં, કેએસસીએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી મલાથી નાગાસાયીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમને ગર્વ છે કે નીરજે પૂર્વ બાળમજૂરોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા મહત્તવની પહેલ કરી છે. તે અમારા બાલ મિત્ર ગામનાં બાળકો માટે એક રોલ મોડલ છે, જ્યાં દરેક બાળક પોતાની રીતે એક મજબૂત નેતા છે અને તેના હકની પ્રાપ્તિ સાથે તેના ગામના વિકાસ માટે તૈયાર છે અને સંઘર્ષ કરી રહ્યો છે.”

બાલ મિત્ર ગામ અને નીરજ

નીરજના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક પરિવર્તનમાં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા શ્રી કૈલાસ સત્યાર્થી અને તેમના દ્વારા સ્થાપિત સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બાલ મિત્ર ગ્રામ એ બાળકો માટે સુખી અને મૈત્રીપૂર્ણ વિશ્વ નિર્માણ માટે શ્રી કૈલાસ સત્યાર્થીની પાયારૂપ પહેલ છે. દેશ અને દુનિયામાં આવા ગામો બનાવવામાં આવી રહ્યા છે.

બાલ મિત્ર ગ્રામનો અર્થ એ ગામો છે જેમાં 6થી 14 વર્ષની વયના તમામ બાળકો મજૂરીથી મુક્ત હોય અને શાળાએ જતાં હોય. ત્યાં એક પસંદ કરેલ બાલ પંચાયત હોય અને તે ગ્રામ પંચાયત સાથે સુસંગત હોય. આવા ગામોમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે, તેમનામાં નેતૃત્વના ગુણો પણ વિકસિત થાય છે. ગામના બાળકો પંચાયતોની મદદથી બાળકોની સમસ્યાઓનું સમાધાન કરીને ગામના વિકાસમાં મદદ કરે છે.

નીરજનું ગામ પણ બાલ મિત્ર ગામ છે. 2013માં બાલ મિત્ર ગામના યુવા જૂથના સભ્ય તરીકે, તેમણે બાળમજૂરી નાબૂદ કરવા અને પછી તે બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના શાળાના દિવસો દરમિયાન, તે તામિલનાડુ ગયા અને પોતાના ગામથી મજૂરી કરવા માટે ગયેલા કેટલાંક બાળકોને પાછા લઈ આવ્યા અને તેમને શાળામાં પ્રવેશ અપાવ્યો.

નીરજ તેમના ગામની ઘણી સામાજિક-આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે પણ કામ કરે છે. જેમ કે બાળલગ્ન અટકાવવા, હેન્ડપંપ લગાવવો, તેનું સમારકામ કરાવવું, ઘરોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવી, સરકારી યોજનાઓ દ્વારા ગેસ કનેક્શનની સુવિધાઓ લોકોને અપાવવી વગેરે.

લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજવા માટે તે રેલીઓ અને અન્ય ઝુંબેશનું પણ આયોજન કરે છે. પરિણામે સરકારી શાળાઓમાં બાળકોની નોંધણી વધી છે. નીરજ પાસેથી શિક્ષણ મેળવનારા બાળકો પણ જાગૃત થયા છે અને તેઓ તેમના ગામમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રીતે તેમણે સત્યાર્થી ચળવળની આગામી પેઢીને પણ તૈયાર કરી છે.

કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન વિશે.

‘કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન’ નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત શ્રી કૈલાસ સત્યાર્થી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, તે એક વૈશ્વિક સંસ્થા છે જે બાળકોના શોષણ અને હિંસા સામે કામ કરે છે. ફાઉન્ડેશન તેના કાર્યક્રમો જેવા કે, સીધી દરમિયાનગીરી, સંશોધન, ક્ષમતાવર્ધન, લોક જાગૃતિ અને વ્યવહાર પરિવર્તન દ્વારા બાળકો માટે યોગ્ય વિશ્વ નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશ સત્યાર્થીના કાર્યો અને અનુભવોએ હજારો બાળકો અને યુવાનોને ‘બાલ મિત્ર દુનિયા’ બનાવવાની પ્રેરણા આપી છે.

અનલોક રંગ સૃષ્ટિ ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ 2020, જાણો આ ફેસ્ટિવલની અનોખી વાતો

આ ફેસ્ટિવલમાં ટોટલ 6 નાટકો સીલેક્ટ કર્યા છે. જેમાં બાંગ્લાદેશ, રાજસ્થાન, કલકત્તા, દિલ્હી, NSD અને ગુજરાતના નાટક છે. આખો ફેસ્ટિવલ ઓનલાઇન થશે અને સાથે પોતપોતાના ઘરે કે પર્સનલ સ્પેસ પર બેસીને લેપટોપ અથવા મોબાઈલ પર નાટક જોયા પછી જેતે નાટકના ડિરેક્ટર સાથે પ્રેક્ષકોની ઓનલાઇન માધ્યમથી ડિરેક્ટર્સ મીટનું આયોજન થશે.

(જુલાઈ મહિનાના શનિવાર અને રવિવારે નીચે પ્રમાણેના નાટકો બતાડવામાં આવશે)

બંગાળી, હિન્દી, ગુજરાતી અને નોન વરબલ કેટેગરીમાં નાટકો સટ્રીમીંગ થશે.

નાટકોના નામ,

1. બ્રાતો આમી મોંત્રોહીન – બંગાળી – યુસુફ હસન અર્કો (બાંગ્લાદેશ)

2. હા મેં તને ચાહી છે જિંદગી – ગુજરાતી – રાજુ બારોટ (NSD – ગુજરાત)

3. નિરંતર એકલવ્ય – હિન્દી – રાજકુમાર રજક –રાજસ્થાન

4. કોથાય ગાલો – બંગાળી – સુકમલ મૈત્રા – કોલકત્તા

5. ફૉસ્ટ – હિન્દી – સાન્તનું બોઝ – NSD દિલ્હી

6. રાવણના દસ માથા – નોન વરબલ – હર્ષલ વ્યાસ (ગુજરાત)

RangSrushti Theatre Festiva મો નંબર : 9898050212

આ રીતે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે કોરોના, રિસર્ચમાં આવી ચોકાવનારી માહિતી

વિશ્વમાં કોરોના મહામારીથી આતંક ફેલાઈ ગયો છે. ત્યારે કોરોના વાયરસ અંગે દરરોજ નવી નવી વાત સામે આવી રહી છે. એકવી જ એક માહિતી યૂનિવર્સિટી ઑફ હોંગકોંગ તરફ મળી રહી છે. કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા સંશોધનમાં એવી વાત સામે આવી છે કે કોરોના વાયરસ માણસની આંખથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. સાર્સ અને બર્ડ-ફ્લૂની સરખામણીમાં કોવિડ નાક અને આંખથી 100 ગણી વધારે ઝડપથી મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે.

આ રિસર્ચના અધ્યક્ષ ડોક્ટર ચાને જણાવ્યું કે, મનુષ્યની શ્વસન પ્રણાલી અને આંખોની કોશિકાઓની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે SARS-Cov2 વાયરસ વ્યક્તિની આંખ અને શ્વાસા દ્વારા સાર્સ અને બર્ડ ફ્લૂથી પણ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે.
રિસર્ચ સામે આવ્યા બાદ કોવિડ-19થી બચવા માટે લોકોને આંખોને વારંવાર સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ હાથને થોડા થોડા સમયે સાબુ અને પાણીથી ધોતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે.

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ દાખલ થયા છે. ગત રોજ ગુજરાતમાં કુલ 7 પોઝિટિવ કેસો હતા. ત્યારે આજ ફરી 4 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરત અને રાજકોટમાં એક એક કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 13માંથી 12 વિદેશથી પરત આવેલા નાગરિકો છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાના સકંજામાં આવી ગયા છે. આ સાથે તમામ પોઝિટીવ કેસના દર્દીના સંપર્કમાં આવનારા કુલ 41 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. બીજી બાજુ ગુજરાતમાં હજુ 34 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં ચેપને ફેલાવો અટકાવવા 144ની કલમ લાગુ કરાઈ છે

કોરોના સે ડરોના”, ભીડથી દુર રહો :વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને નામ સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા સુધી ઘરની બહાર નિકળવાનું ટાળો. ભીડથી દુર રહો. શક્ય હોય તેટલા તમામ કામો ઘરે બેઠા કરો. જેમના ઘરે સિનિયર સીટીઝન હોય તેને ખાસ અનુરોધ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ઘરની બહાર ન નીકળે. કોરોનાને હળવાશથી ન લેતા તેને ગંભીરતાથી લેવા મોદીએ અપીલ કરી હતી.

આ સ્થિતિમાં મીડિયાકર્મીઓ, સરકારી ઓફિસોને એક્ટિવ રહેવું પડે છે પરંતુ અન્ય લોકોને ખાસ કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ વડાપ્રધાને આપી છે. અંગત તેમજ પરિવારના દરેક સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ મોદીએ અનુરોધ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ દેશજોગ જાહેર અનુરોધ કરતા જણાવ્યું હતું કે, દેશમાં 22 માર્ચ રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ (સ્વયંભૂ કરફ્યુ)નું પાલન કરવું. આ દિવસે કોઈએ ઘરની બહાર ન નીકળવું. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ વ્યક્તિ સિવાય કોઈ વ્યક્તિ ઘર બહાર ન નિકળવા અપીલ કરી વડાપ્રધાન મોદીએ દેશની તમામ રાજ્ય સરકારને આદેશ આપ્યા કે 22 માર્ચ, રવિવારે જનતા કરફ્યુનું પાલન કરાવે. પાછલા 2 મહિનાથી લાખો લોકો કોરોનાની મહામારીથી હેરાનગતિ ભોગવી રહ્યા છે ત્યારે એમના સહિત તમામના સ્વાસ્થ્ય માટે મોદીએ આ અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશના પ્રસારણ સમયે જ જોગાનુજોગ ગુજરાતમાં કોરોના સંક્રમિત બે લોકો હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી. જેમાં સુરતની એક યુવતી તથા રાજકોટમાં એક યુવકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાહેરાત થઈ હતી. આ ખબર વાયુવેગે ફેલાતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. જો કે તમામ સરકારી તંત્ર કોરોના સામે લડવા સુસજ્જ છે અને તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. સુરતમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે. જેથી 4થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.


સેન્સેક્સ 2919 અંક ઘટ્યો, નિફ્ટી 9600 નીચે બંધ

કોરોના વાઈરસની મહામારી ઘોષિત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના વાઈરસના વધતા હાહાકાર થી બચવા એક મહિના માટે બ્રિટનને છોડીને બાકી યૂરોપથી લોકોના અમેરિકા આવવા પર પ્રતિબંધ મુક્યો છે. જેની અસર દુનિયાભરના બજારો સાથે ભારતીય શૅર બજારમાં ગુરુવારે જોવા મળી હતી. 30 શૅરોવાળા બીએસઈના સેન્સેક્સ ઈન્ડેક્સ 2919.26 અંક 8.18 ટકા ઘટીને 32,778.14 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 868.25 અંક -8.30ટકા અંક ઘટીને 9590.15 પર બંધ થયું.

બીએસઈના સેન્સેક્સ એક સમયે 3079.93 અંકોના ઘટાડા સાથે 32,756.80ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા. એનએસઈના નિફ્ટી પણ 875.15 અંક એટલે 8.37%ના ઘટાડા સાથે 9583.25ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા.

દિવસભરના કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે 34,472.50 અંકના ઉચ્ચતમ સ્તર પર કારોબાર કરી રહ્યા હતા, જ્યાં એકવાર તે ઘટીને 32,493.10 અંકના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા.

ખુશખબર/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં આવેલા મોટા ઘટાડો થયો છે જેનો ફાયદો ભારતના લોકોને થઈ રહ્યો છે. આજરોજ  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 2.69 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 2.33 રૂપિયા ઘટ્યો છે. ત્યારે બુધવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 67.84 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 65.94 રૂપિયા થઈ ગયો છે.

અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલનો ભાવ 70.52 હતો જે માર્ચ મહિના સુધીમાં ઘટીને 67.84 રૂપિયા થઈ ગયો છે.

સઉદી અરેબિયા અને રશિયાની વચ્ચે ઑઇલ પ્રાઇસ વૉર છેડાતાં સોમવારે કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં 31 ટકા સુધી તૂટી ગયા છે. જેનો ભારતને આર્થિક લાભ મળી શકે તેમ છે. આપણો દેશ પેટ્રોલિયમ ઈંધણ આયાત ઉપર જ નિર્ભર કરે છે

ઉલ્લેખનીય છે કે, 2017 બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો પ્રથમ વાર થયો છે. ત્યારે ક્રુડ ઓઇલની કિંમતમાં 30 ટકા ઘટાડો થતા વિશ્વભરમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. હાલ વિશ્વબરમાં કોરોના વાઈર નહીં પરંતુ રશિયા અને OPEC દેશો વચ્ચે ક્રુડ ઓઇલની કિંમતોને લઇ ચાલી રહેલા વિવાદની પણ ભાવ પર અસર જોવા મળી રહી છે.

કોરોના વાયરસથી બચવા માટે આટલી બાબતનું રાખો ખાસ ધ્યાન

દુનિયાભરના લગભગ 70 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોનાવાયરસએ હવે ભારતમાં લોકોની ચિંતા વધારી દીધી છે. ત્યારે ઇટલીથી દિલ્હી પરત ફરેલો એક વ્યક્તિ વાયરસથી પડિત હોવાનું સામે આવ્યુ છે.
WHO દ્વારા જણાવ્યા અનુસાર કોરોના વાયરસના જે લક્ષણો બતાવ્યા છે તે શરદી-ઉધરસથી એકદમ મળતા આવે છે.

આટલી બાબતોનું રાખો ધ્યાન

 • કોરના વાયરસથી બચવા માટે હાઇજીન જાળવી રાખવું ખુબજ જરૂરી છે. તેમજ તમારી આસપાસના સાફ-સફાઇની સંપૂર્ણ જાણકારી રાખવી જોઇએ. છીંક ખાતી વખતે ટિશ્યી મોઢા પર રાખીને કવર કરીને ડસ્ટબિનમાં ફેંકી દેવું જોઇએ અને વારંવાર સાબુથી હાથ ધોવા જોઇએ.
 • જમ્યાં પહેલા હાથની સારી રીતે ધોવા તે માટે સાબુ તથા સેનિટાઇઝરનો ઉપયોગ કરો. હાથ ધોયા પછી, સ્વચ્છ કપડાથી સાફ કરો.
 • ઘરની બહાર નીકળતી વખતે, માસ્કથી મોં સારી રીતે કવર કરવું.
 • બહારની ખાણીપીણી બને ત્યા સુધી ટાળો. લીલા શાકભાજી ખાતા પહેલા તેને સારી રીતે ધોવા.
 • ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાનો પ્રયાસ કરશો નહીં. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા પછી, સાબુથી હાથને સારી રીતે ધોઈ લો.
 • આંખો, નાક અથવા મોઢા પર વારંવાર હાથ લગાવવાનું ટાળો.
 • જો તમને ઉધરસ, શરદી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ છે, તો જલદી જ ડોક્ટરી તપાસ કરાવો.
 • ડોક્ટરની સલાહનું નિયમિતપણે પાલન કરો.

જમ્મુ-કાશ્મીરમાં LG સલાહકાર ફારૂક ખાનનો દાવો, કાશ્મીર 100 ટકા હિંદુ રાજ્ય

જમ્મુ-કાશ્મીરમાં ડેપ્યુટી ગવર્નર LG જીસી મુર્મુના સલાહકાર ફારૂક ખાને કહ્યું છેકે, વહીવટનું પહેલું લક્ષ્ય કાશ્મીરી પંડિતોને ફરીથી સ્થાપિત કરવું છે, જેને બંદૂકની ધમકીને કારણે કાશ્મીર છોડવું પડ્યું હતું. વધુમાં જણાવ્યુ હતુ કે, આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છેકે કાશ્મીર 100 ટકા હિંદુ રાજ્ય હતું, જે લોકો ત્યાં જાય છે તેઓએ કાશ્મીર મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ અને ત્યાં શું છે તે જોવું જોઈએ, જે તમને પ્રાચીન કાશ્મીરના ઇતિહાસના સ્પષ્ટ ચિત્ર બતાવે છે.

ઈન્ડિયા આઇડિયાઝ કોનક્લેવ 2020માં બોલતાં ખાને કહ્યું કે, અમારા માટે પહેલું અને સૌથી મોટું લક્ષ્ય એ છેકે, આપણા બધા કાશ્મીરી પંડિત ભાઈ-બહેનોએ બંદૂકની ધમકીથી રાજ્ય છોડવું પડ્યું. અમે તેમને સંપૂર્ણ આદર સાથે પરત લાવીશું અને તે કાશ્મીરમાં કોઈ પણ ભય વિના સુખી જીવન જીવી શકશે.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુએ શનિવારે કહ્યું હતું કે, કલમ 370 નાબૂદ થતાં નોકરીઓ અને જમીનનું કોઈ નુકસાન થશે નહીં. મુર્મુએ કઠુઆ જિલ્લામાં શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતી રાજ્ય સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, કલમ 37૦ નાબૂદ કરવાથી નોકરીઓ અને જમીનને કોઈ નુકસાન થશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, દૂરસ્થ અને સરહદી વિસ્તારોમાં દરેક ઘરને પાણી, વીજળી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ દરમિયાન મહિલા સરપંચોના પ્રતિનિધિ મંડળ ઉપરાજ્યપાલને પણ મળ્યા અને તેઓને તેમના વિસ્તારોના મુદ્દાઓથી માહિતગાર કર્યા. મુર્મુએ 74મો બંધારણીય સુધારણાના અમલીકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા કહ્યું કે, તે સ્થાનિક સ્તરે શાસનને મજબૂત બનાવશે, સાથે સાથે વિકાસ કાર્યોને વેગ આપશે. તેમણે કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભાગીદારી અને સહકારથી જ સ્થાનિક સ્તરે શાસનને મજબુત બનાવી શકાય છે.